રેશનાલિઝમ શું છે?
01 April, 2022
રેશનાલિઝમ વિશે લોકો વિચારતા થયા છે, ચર્ચા કરતા થયા છે એ આનંદની બાબત છે. પરંતુ રેશનાલિઝમના મૂળભૂત ખ્યાલો વિશે લોકોમાં હજી પૂરી સ્પષ્ટતા અને સમજ નથી એમ લાગે છે.
'રેશનાલિઝમ' એ કોઈ વાદ નથી. તે ભૌતિકવાદ કે અધ્યાત્મકવાદ કે ધર્મનો કોઈ વિરોધી વાદ નથી. તે બુદ્ધિ, તર્કનો સમાનાર્થી નથી. રેશનાલિઝમ તો એક દૃષ્ટિબિંદુ, વિચારવાનો અભિગમ, વૈચારિક ચળવળ છે. રેશનાલિઝમનો અભિગમ કોઈ પણ સમસ્યા, ઘટના કે ખ્યાલ વિશે વાસ્તવિક પુરાવાઓ, હકીકતોના સંદર્ભમાં તટસ્થ, વસ્તુલક્ષી દૃષ્ટિએ વિચારે છે અને પુરાવાઓના સંદર્ભમાં તર્કબદ્ધ, બુદ્ધિગમ્ય રીતે અનુમાનો તારવે છે. રેશનાલિસ્ટ અભીગમ તત્વવિજ્ઞાનની દૃષ્ટિએ અનુભવવાદ, વાસ્તવવાદ, તર્ક પર આધારિત છે. વિચારસરણીમાં 'વિવેક' હોય છે તે મૂલ્યો કે નૈતિક ધોરણોના પાલનનો નહિ, પરંતુ સત્ય-અસત્ય વચ્ચે ભેદ પારખવાનો, અંગત લાગણીઓ, ગમાઅણગમા કે પૂર્વગ્રહોથી પર રહીને વિચારવાનો વિવેક. જે જે વિચારસરણીમાં આવો વિવેક નથી તેને 'ઈરરેશનલ' કહીએ. આ સંબંધમાં રેશનાલિઝમ એ લોકપ્રિય અર્થમાં વહેમ, અંધશ્રદ્ધા, રૂઢિવાદી અભિગમ, કટ્ટરતાવાદ, ધાર્મિક - અધ્યાત્મવાદી વિચારધારાનો વિરોધી છે. કારણ, આ પ્રકારની વિચારધારામાં વાસ્તવિક હકીકતોનું સત્ય, અનુભવનું તત્વ, તરફેણ-વિરોધી મુદ્દાઓની તુલના, તટસ્થ પૂર્વગ્રહ રહિત દૃષ્ટિકોણનો અભાવ હોય છે. રેશનાલિઝમ એ વિજ્ઞાન-વૈજ્ઞાનિક અભિગમનો પર્યાય છે.
રેશનાલિઝમ એ નકારાત્મક કે ખંડનાત્મક અભિગમ નથી. એ તો સત્યશોધનનો રચનાત્મક, વિધાયક રાજમાર્ગ છે. ભૂતપ્રેત છે કે નહીં, ઈશ્વરની માન્યતાને સ્વીકારો છો કે નહીં, યોગીઓને થતો ચૈતસિક–દિવ્ય આનંદની અનુભૂતિ જેવું છે કે નહીં? ચમત્કારો, અલૌકિક અનુભવ થાય છે કે નહીં? 'આત્મા', મોક્ષ કે પુનર્જન્મ વગેરેનું અસ્તિત્વ છે કે નહીં? એવા પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે રેશનાલિઝમ કહેશે કે 'આ પ્રશ્નોના જવાબ સીધા 'હા' કે 'ના' માં આપી શકાય નહીં'. આપવા જોઈએ પણ નહીં. એક સમજદાર, વિવેકશીલ, સજાગ, સભાન વ્યક્તિ તરીકે આ પ્રશ્નોને તપાસો. તેમના સંદર્ભમાં પુરાવોઓ શોધો. સીધા પ્રત્યક્ષ પુરાવાઓ પ્રાપ્ત ન થાય તો પરોક્ષ, અનુમાનિત તારણો તપાસો. તરફેણ વિરોધના મુદ્દાઓની તુલના કરો અને પછી નિર્ણય કરો. તેમ છતાં સંતોષ ન થાય તો પ્રશ્ન ખુલ્લો રાખો. શોધ જારી રાખો. રેશનાલિઝમ કે વિજ્ઞાનની દૃષ્ટિએ કોઈ સંપૂર્ણ, આખરી સત્ય હોતું નથી. જ્ઞાનની ખોજ, સત્યશોધનની પ્રક્રિયા તો નિરંતર ચાલ્યા જ કરશે. ધર્મગ્રંથોના આદેશો, દેવદૂત, પયગંબર કે દેવોની વાણીને જે તે ધર્મ-સંપ્રદાયના અનુયાયીઓ આખરી, અનુબંધનીય, અપરિવર્તનીય સત્યો તરીકે સ્વીકારે છે તે ધાર્મિક ઝનૂન, અંધશ્રદ્ધા કે કટ્ટરતા કહેવાય. સાચો જ્ઞાની રેશનાલિસ્ટની દૄષ્ટિએ એકપક્ષી, સાંપ્રદાયિક કે બંધિયાર હોતી નથી. રેશનાલિસ્ટ અભિગમ વ્યક્તિને સત્યનો ચાહક, લાગણીઓનો કદરદાન, ખુલ્લા મનવાળો, માનવતાવાદી બનાવે છે.
ડૉ. બી.એ. પરીખ